Untitled Document

(1)

સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી

ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી

એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી

વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી .



વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી

ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી

કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી

વેબ પેજે અવરોધે અહંકારી ફાયરવૉલ આકરી .



“યુ હૅવ ગૉટ મેઈલ” કેરી આકાશવાણી ત્યાં સાંભળી

લોગ ઑન “ગોકુલ” ને પાસવર્ડે “ગોપી”ની ખાતરી

વેબસાઈટે આવકારવા ઊભી રાધા લઈને વાંસળી

મિડીયા પ્લેયરે ગુંજાયે “હરે કૃષ્ણા” મંત્ર માધુરી .



કૃપા ડાઉનલોડ કરવા છે જરૂરી માનવતા મૅમરી

વાસનાના વાયરસ મહીં તું વેડફી દઈશ ના બૅટરી

હાર્ડ ડ્રાઈવમાં સેવ કરી લે પ્રેમ અને સેવા -ચાકરી

હોમ પેજ બનીશ “દિલ”ને ઍલર્ટ મોકલે મોરારી !

 

(2)

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વેબસાઇટ ઉપર મળે છે સનમ
ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ
મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ
ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ
આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ
શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ
ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ
દિલની ધડકન છે સૉફ્ટવેર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ
લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ
આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

Make a Free Website with Yola.