(1)

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.
તું નહિ આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તને ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.
તમાચો ખાઈ લઉં છું ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
ખલીલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

 

(2)

તારે ઝાંપે બાંધુ હું મારું ઝૂંપડું
ઝૂંપડામાં બળે એક દીવો
-દીવો તારા નામનો
   
વાડીએ વાવું હું મારો મોગરો
ઝૂલે ચંપાનું ઝાડ
-ઝાડ તારા નામનું
   
તારી મેડીએ હવા થઈ હીંચકું
ઓશિકાની સાથે કરું લાડ
-લાડ તારા નામના
   
મધરાતે તરસના બોલે મોરલા
હું તો વાદળ થઈ વરસું ધોધમાર
-વાદળ તારા નામના

 

(3)

અમે કોઇ થી આ જીવન માં
કરીને પ્યાર, પસ્તાયા
કંટક ની માળ ને સમજી
સોના નો હાર, પસ્તાયા
ખબર ન્હોતી લુંટી લેશે
પરાયા ઓ અમારા થઇ
અમે તેથી હ્રદય નો
બાંધી ને વહેવાર, પસ્તાયા

 

(4)

મૌનની દિવાલ તોડી ના શક્યો
શું કરું સંકોચ છોડી ના શકયો
જે હતું એણે તો કહી દીધું તરત,
રોષથી દર્પણ હું ફોડી ના શકયો.
ચાહનાનાં પુર ઉમટયાં એટલાં,
એ વહેણને કયાંય મોડી ન શકયો.
મોત આંખોની સમક્ષ બેઠું હતું,
બે કદમ તો પણ હું દોડી ના શકયો.
એમણે માથું નમાવ્યું પ્રેમ થી,
હાથ બે જોડી ના શકયો.

 

(5)

સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.
ઉદાસી લઈને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.
મકાનોમાં લોકો પુરાઈ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.
હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.
પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.
કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઈની ઢળેલી નજર હોય જાણે.
( આદિલ મન્સૂરી )

 


Make a Free Website with Yola.